ખોટ તારે ત્યાં ખુદા શી
છે ? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો
આભથી વરસાદ કર.
આટલી મારી મદદ ઓ પ્રેમનો
ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર.
પ્રેમમાં સાંભરવા જેવું
હવે શું છે બીજું ?
એ તને ભૂલી ગયાં છે
એટલું બસ યાદ કર.
દુઃખની વચ્ચે જીવવાની એ
જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે
પછી ફરિયાદ કર.
જે પ્રયોજન છે સુરાનું એ
સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ
તું આસ્વાદ કર.
હોય સૌ નાદાન ત્યાં કોઇ
તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર.
જો પછી કે શૂન્ય વિણ
બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી
મને તું બાદ કર.
અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જીંન્દગીની જેમ તારું
મોત ના બરબાદ કર.
- બરકત વિરાણી ‘બેફામ’
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें