મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ. શ્વાસ બંધ થાય એટલે માણસ મૃત્યુ
પામે. કવિઓએ એ ઘટનાને વિવિધ રીતે મૂલવી છે. બેફામે એ ઘટનાને એમની અનોખી રીતે
મૂલવી. શ્વાસ બંધ થયો કારણ કે પૃથ્વીની હવા લઈને જન્નતમાં નહોતું જવું. જરા ગૂઢ
રીતે વિચારીએ તો શરીર શું છે ? પંચમહાભૂતનું બનેલ માળખું.
જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા જ ઉડી જાય અને શરીર પડ્યું રહે. હવે
પંચમહાભૂતમાં પૃથ્વી, જળ, અગ્નિ,
ચિત્ત અને સાથે વાયુ તત્વ પણ આવે. નશ્વર એવા વાયુ તત્વ – શ્વાસને તો
મૂકી જ જવું પડે. એ કેવી રીતે સાથે લઈ
જવાય ? ખરુંને.
તબીબો પાસેથી હું
નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું
દર્દો નવાં લઈને.
ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે-
પધાર્યા છો તમે ખુદ રૂપ
જાણે જૂજવાં લઈને.
તરસને કારણે નહોતી રહી
તાકાત ચરણોમાં,
નહીં તો હું નીકળી જાત
રણથી ઝાંઝવા લઈને.
સફરના તાપમાં માથા ઉપર
એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં
મારા ઘરનાં નેજવાં લઈને.
બધાનાં બંધ ઘરનાં દ્વાર
ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી
તૂટેલાં ટેરવાં લઈને.
કરું છું વ્યકત એ માટે જ
એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું
અનુભવ અવનવા લઈને.
હું રજકણથી ય હલકો છું
તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.
સુખીજનની પડે દૃષ્ટિ તો
એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં
દુ:ખો પણ આગવાં લઈને.
ફકત એથી મેં મારા શ્વાસ
અટકાવી દીધા ‘બેફામ‘
નથી જન્નતમાં જાવું મારે
દુનિયાની હવા લઈને.
- બરકત વીરાણી ‘બેફામ‘
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें